IPLની 18મી સિઝનની પહેલી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે વિરાટ કોહલીએ શાનદાર અડધી સદી ફટકારી. 175 રનના લક્ષ્યાંકનો પીછો કરતા કોહલીએ ફિલ સોલ્ટ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 8.3 ઓવરમાં 95 રનની પાર્ટનરશિપ કરી.
વિરાટ કોહલીએ 30 બોલમાં ચોગ્ગા સાથે પોતાની અડધી સદી પૂર્ણ કરી. વિરાટ કોહલીએ 36 બોલમાં અણનમ 59 રન બનાવ્યા. આરસીબીએ કેકેઆરને 7 વિકેટથી હરાવ્યું. આ મેચમાં વિરાટ કોહલીએ એક રેકોર્ડ બનાવ્યો, તે એક ખાસ ક્લબમાં જોડાયો. બીસીસીઆઈએ તેમને ‘મોમેંટો’ આપીને સન્માનિત કર્યો.
આઈપીએલની પહેલી મેચની શરૂઆત ગ્રાન્ડ ઓપનિંગ સેરેમની સાથે થઈ. આમાં BCCI પ્રમુખ રોજર બિન્નીએ વિરાટ કોહલીને ‘મોમેંટો’ આપીને સન્માનિત કર્યા. મોમેન્ટો પર IPL 18 લખેલું હતું. તમને જણાવી દઈએ કે આ IPLનું 18મું એડિશન છે અને કોહલીનો જર્સી નંબર પણ 18 છે. કોહલીએ IPLમાં 18 વર્ષ પૂર્ણ કર્યા છે, તે પહેલી સીઝનથી RCB માટે રમી રહ્યો છે.
ખાસ ક્લબમાં જોડાયો વિરાટ કોહલી
વિરાટ કોહલીએ KKR સામે પોતાની પહેલી IPL મેચ રમી ત્યારે તે એક ખાસ ક્લબમાં જોડાયો. આ કોહલીની 400મી T20 મેચ હતી. ભારત માટે સૌથી વધુ T20 મેચ રમનાર ખેલાડી રોહિત શર્મા છે, જેને 448 T20 મેચ રમી છે. આ લિસ્ટમાં બીજા ક્રમે દિનેશ કાર્તિક છે, તેને 412 મેચ રમી છે. કોહલી 400 T20 મેચ રમનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો છે.
વિરાટ કોહલીએ શાહરૂખ ખાન સાથે કર્યો ડાન્સ
મોમેન્ટો મેળવતા પહેલા, વિરાટ કોહલીએ શાહરૂખ ખાન સાથે સ્ટેજ શેર કર્યો. KKR ના રિંકુ સિંહ પણ આમાં જોડાયા. શાહરૂખ ખાને પણ વિરાટ કોહલી સાથે ‘ઝૂમે જો પઠાણ’ ગીત પર ડાન્સ કર્યો.
મેચની વાત કરીએ તો, ટોસ જીત્યા બાદ, RCB એ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. રહાણે અને નારાયણે બીજી વિકેટ માટે 103 રનની ભાગીદારી કરી. પરંતુ છેલ્લી 10 ઓવરમાં, KKR ફક્ત 67 રન બનાવી શક્યું અને 20 ઓવરમાં ફક્ત 174 રન જ બનાવી શક્યું. વિરાટ કોહલી અને ફિલ સોલ્ટે સારી શરૂઆત આપી અને પાવરપ્લેમાં કોઈ વિકેટ ગુમાવ્યા વિના 80 રન બનાવ્યા. આરસીબીએ 22 બોલ બાકી રહેતા લક્ષ્ય હાંસલ કર્યું અને 7 વિકેટથી ધમાકેદાર વિજય મેળવ્યો.